વઢિયારની વિરાસત સમલી વાવ SAMLI VAV

Описание к видео વઢિયારની વિરાસત સમલી વાવ SAMLI VAV

નામ રહંતા ઠાકરા, નાણા નહિ રહંત
કિરત હુંદા કોટડા, પાડ્યા નહિ પડંત

વઢિયારમાં આવેલી
*સમલી વાવ

વાવ (English: Stepwell, હિંદી: बावड़ी, बावली) એ કૂવાનો જ એક પ્રકાર છે, જેમાં કૂવો પગથિયાં સાથે જોડવામાં આવેલો હોય છે, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કૂવામાંનાં પાણી સુધી પગથિયાં દ્વારા પહોંચી શકાય તેવો કૂવો. વાવ મોટે ભાગે પરિસરમાં બાંધેલી અને સુરક્ષિત હોય છે તથા ભારતમાં મહદંશે જોવા મળતી વાવો શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નમુનાઓ છે, જેમાં સુંદર કોતરણી કરેલી હોય છે. અમુક વાવો એવી પણ છે જેમાં એવી ગોઠવણ કરેલી હોય છે કે બળદની સહાયથી ચક્ર વડે કૂવામાંથી પાણી ખેંચીને પહેલા કે બીજા માળ સુધી પહોંચાડે.
સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ તેમજ એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા માટે નું અંતર વધારે હોય, જ્યાં પીવા લાયક પાણી ઓછું મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં જેમાં પણ વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હતું, તેમ છતાં કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વેળા આ વાવ મહત્વપૂર્ણ સ્થાપત્ય બને અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ બની રહે તે હેતુથી કરવામાં આવતું હતું.
સમગ્ર ગુજરાતમાં ઘણી વાવ આવેલી છે. એમાં આજે વાત કરવી છે વઢિયારની એક વાવ સમલીવાવ વિશે.
સમલીવાવ પ્રસિદ્ધ જૈનતીર્થ શંખેશ્વર તાલુકાના રણોદ ગામની સીમમાં રણોદ, કુંવારદ અને શંખેશ્વર ગામના ત્રિભેટે રણોદથી 3 કિ. મી., શંખેશ્વરથી 4 કિ.મિ.,અને કુંવારદથી પણ 4 કિ. મી. ના અંતરે શંખેશ્વરથી, કુંવારદ અને રણોદ જવાના રોડ પર તળાવમાં આવેલી છે.....
સામાન્ય રીતે પોતાના પૂર્વજોની યાદમાં તેમના સંતાનો સ્મારક બનાવતા હોય એવા ઇતિહાસમાં ઘણા ઉદાહરણો મળે પણ, પોતાના સંતાનોની યાદમાં વાલી દ્વારા સ્મારક બને એવા જવલ્લે જ કિસ્સા જોવા મળતા હોય છે. વાત કરવી છે એવા જ સ્મારક રૂપી એક વાવની.
રણોદ ગામના માનાભાઈ હરિભાઈ પંચાલને ત્રણ દીકરા નારણભાઇ, ગોવાભાઈ અને પ્રભુભાઈ. સૌથી મોટા દીકરા નારણભાઇનું આકસ્મિક અવસાન થતાં આ વાવ માનાભાઈ હરિભાઈ લુહાર (પંચાલ ) એ પોતાના દીકરા નારણભાઈની યાદમાં વિ. સં. 1987 ના મહસુદ 10 ને બુધવારના રોજ બંધાવી. તે વખતના રણોદ દરબાર કાળુભાની હાજરીમાં વાવ બંધાવ્યાનો ઉલ્લેખ વાવમાં આવેલ એક લેખના લખાણમાં જોવા મળે છે. વાવ બંધાવવા માટે થયેલ લગભગ ૯૦૦૦ રૂપિયાનો ખર્ચ થયેલ છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે...
વઢિયાર વિસ્તાર આમ તો સૂકો મલક એટલે પીવાના પાણીની તંગી રહેતી. આ વાવ ત્રણ ગામનો રસ્તો હોવાથી વટેમાર્ગુ તથા ખેડૂતોને પાણી પીવા માટે એક પરોપકારના ભાગરૂપે બંધાવવામાં આવી હતી. વાવ ખૂબ ઊંડી અને છેક સુધી જઇ શકાય તેવા પગથિયાં બનાવેલા છે. તેમાં ક્યારેય પાણી ખૂટતું નથી જે તેનો સ્વાદ બદલાતો નથી. જેમાં ટોપરા જેવું મીઠું પાણી હોવાથી આજુબાજુના ગામના લોકો પીવા માટે ઉપયોગ કરતા હતા.
હવે વાહનવ્યવહાર વધતા પાણીની પાઇપલાઇન અને અન્ય સ્ત્રોત વધ્યા હોવા છતાં આજે પણ વાવનો ઉપયોગ થાય છે. એનો પંચાલ પરિવારને ભારે રાજીપો છે. તેમના પરિવારમાં પ્રભુભાઈના ત્રણ દીકરા રસિકભાઈ, મનસુખભાઇ અને નટવરભાઈ છે. તેઓ પોતાના પિતૃઓના આ કાર્યનું ગૌરવ લે છે.. અને તેઓ ટૂંક સમયમાં જ આ વાવનું સમારકામ કરાવવાનું વિચારી રહ્યા છે.
પોતાના સ્વજનની યાદમાં પરોપકારના કાર્ય કરવાના સંસ્કારો ની સતત યાદ આ વાવ આપે છે....દેહ રૂપી દિવાલો પડી જાય, પણ કીર્તિ રૂપી કોટડા ઝગારા મારે છે, સજ્જનો સમયની ગર્તામાં ગાયબ થયા પણ, તેમની યાદોને સાચવીને આજે પણ વાવ અડીખમ ઉભી છે...
સરકાર પણ આવા સ્મરકોની જાળવણી માટે ધ્યાનમાં લે એ સમયની માગ છે..
પંચાલે પરહિતકાજ, કીધું ઊજળુ કામ
સમલી વાવ બનાવતા ,નારણ રહીયુ નામ,
નારણ જગમાં નામના, રણોદ રૂડે ગાવ
માના હરિએ માનમાં,બંધાવી જે વાવ

આલેખન :- ભગવતદાન ગઢવી શંખેશ્વર 9909239668
#vava #vav #vadhiyar #smarak #gujarat #bharat #pani

Комментарии

Информация по комментариям в разработке