પદ - ૨૫
માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મા હારજો રે;
કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજો રે... ૧
સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે;
રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે... ૨
લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે;
નહિ તો દુઃખનો ઊગત ડાભ,2 માની લેજો એ મર્મને રે... ૩
આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે;
એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે... ૪
પદ - ૨૬
ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે;
અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે... ૧
અતિ થઈને દીન આધીન, નિત્ય નમાવે છે શીશને રે;
લગ્નિ લગાડી લેલીન, જોઈ રહ્યા છે જગદીશને રે... ૨
એવા મુક્તને મળવા કાજ, મોટા ઇચ્છે છે મનમાં રે;
શિવ બ્રહ્મા ને સુરરાજ, તે તો તલસે છે તનમાં રે... ૩
એવા દેવતાના દર્શન, થાતાં નથી થોડી વાતમાં રે;
નિષ્કુળાનંદ વિચારો મન, આવો રહસ્ય બેસી એકાંતમાં રે... ૪
પદ - ૨૭
કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જૂજવી એ જાત છે રે;
મર આપિયે સો સો શીશ, તોયે વણ મળ્યાની વાત છે રે... ૧
કિયાં કીડી કરી મેળાપ, ભેળું થાવા ભારે ભેદ છે રે;
કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ5 છે રે... ૨
અતિ અણમળ્યાનું એહ, મળવું માયિક અમાયિકને રે;
તે તો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા અનેકને રે... ૩
તૈંયેં થાય એનો મેળાપ, જ્યારે નરતન ધરે નાથજી રે;
કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથજી રે... ૪
પદ - ૨૮
એવા મળ્યા છે મહારાજ, જે કોઈ સર્વેના શ્યામ છે રે;
વળી રાજા એ અધિરાજ, એને આધારે સૌ ધામ છે રે... ૧
ધામ ધામના જે રહેનાર, હજૂર રહે છે જોડી હાથને રે;
કરી આરત્ય શું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે... ૨
શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતા રે;
જેની આજ્ઞામાં અહોનિશ, શશી સૂરજ રહે છે ફરતા રે... ૩
કંપે કાળ માયા મનમાંય, અતિ ઘણું અંતરમાં રે;
કહે નિષ્કુળાનંદ કાંય, તું પણ ડરને તેના ડરમાં રે... ૪
પદ - ૨૯
એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવીએ રે;
શીદ ડો’ળીને ડહાપણ, સમજુ શિયાણા હસાવીયે6 રે... ૧
જેણે રચ્યું આ જગત, જોને જૂજવી જાત્યનું રે;
જોતા મૂંઝાય જાય મત,એવુ કર્યું ભાત ભાતનું રે... ૨
એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણીએ રે;
વણકર્યે એ વિવેક, શીદ અભિમાન આણીએ રે... ૩
મેલી ડા’પણ8 ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે;
કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઈને રે... ૪
પદ - ૩૦
જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે;
માત તાત સગાં સમેત, માન્યા સનેહી ભોળાપણે રે... ૧
જોને ગર્ભવાસની ત્રાસ, ટળી ટળે કેમ કોયની રે;
તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે... ૨
વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે;
બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે... ૩
એમ સમજ્યા વિના જન, આવે ઉન્મત્તાઈ12 અંગમાં રે;
કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે... ૪
પદ - ૩૧
જ્યારે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌં કોઈ કામનો રે;
ત્યારે કો’ને વધ્યો કુણ, લેતાં આશરો સુંદર શ્યામનો રે... ૧
જ્યારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારને રે;
ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખુવારને13 રે... ૨
પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું’તું આ જગમાં રે;
તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જઈ ઠગમાં15 રે... ૩
એવા મૂરખની મિરાત, એને અર્થે નથી આવતી રે;
કહે નિષ્કુળાનંદ વાત, હરિભક્તને મન ભાવતી રે... ૪
પદ - ૩૨
આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાં રે;
ત્યારે સુખી થાય સાક્ષાત, પછી સમજી રે’ સત્સંગમાં રે... ૧
થઈ ગરીબ ને ગર્જવાન, શિષ્ય થઈ રહે સર્વનો રે;
મેલી મમતા ને માન, ત્યાગ કરે તન ગર્વનો રે... ૨
ખોળી ખોટ્ય ન રાખે કાંઈ, ભલી ભક્તિ ભજાવવા રે;
એક રહે અંતરમાંઈ તાન, પ્રભુને રીઝાવવા રે... ૩
એવા ઉપર શ્રી ઘનશ્યામ, સદા સર્વદા રાજી રહે છે રે;
સરે18 નિષ્કુળાનંદ કામ, એમ સર્વે સંત કહે છે રે... ૪
Информация по комментариям в разработке