અનુપ ઈડર દેશમાં, ધન્ય ધન્ય ટોડલા ગામ;
ધન્ય ધન્ય દ્વિજની જાતિને, જ્યાં ઊપન્યા ભક્ત અકામ. ૧
યોગી પૂર્વ જન્મના, જેને વાલા સંગે અતિ વાલ;
પ્રભુ સંઘાથે પ્રકટ્યા, ખરા ભક્ત નામ ખુશાલ. ૨
શમદમાદિ સાધને પૂરા, તપસી ત્યાગી તન;
જાણે યોગ અષ્ટાંગને, પૂરણસિદ્ધ પાવન. ૩
બાળપણામાં વાત બીજી, રુચિ નહિ જેને રંચ;
અતિ અભાવ અંગ વર્તે, પેખીને વિષય પંચ. ૪
એવા ભક્ત તે ખરા ખુશાલ, જેને ન ગમી સંસારી ચાલ્ય;
બાળપણામાં રાચ્યા ભજને, બીજું કાંઈ ગમ્યું નહિ મને. ૫
એમ કરતાં થયો સતસંગ, ચડ્યો અતિ ચિત્તે તેનો રંગ;
આવી અંગમાં ખરી ખુમારી, ઊતરે નહિ કેની ઉતારી. ૬
કરે ધ્યાન મહારાજનું નિત્ય, અતિ પ્રકટ પ્રભુમાં પ્રીત્ય;
એમ કરતાં કાંઈક દન, થયો પ્રકાશ પોતાને તન. ૭
કોટિ કોટિ સૂરજ સમાન, છાયો તેજે જમીઅસમાન;
તેમાં કડાકા થાય છે ત્રણ, માન્યું લોકે આવ્યું આજ મરણ. ૮
આ તો પ્રલય થવાની પેર, એમ કહેવા લાગ્યાં ઘરોઘર;
તેહ કડાકા ને તેજ તેહ, ષટ જોજને જણાણું એહ. ૯
જોઈ આશ્ચર્ય પામિયાં લોક, વધ્યો આનંદ થયાં અશોક;
તે પ્રતાપ શ્રીમહારાજ તણો, શું કહીએ મુખથી ઘણો ઘણો. ૧૦
વળી એક દિવસની વાત, કહું વર્ણવી વળી વિખ્યાત;
કરતાં ભજન મહારાજ તણું, તનભાન ભૂલ્યા છે આપણું. ૧૧
થઈ નિરાવરણ નિજ વૃત્તિ, દીઠા રાત્યમાં રાંદલપતિ;
થયો તેનો અતિશે પ્રકાશ, હુવો અંતર તમનો નાશ. ૧૨
તે પણ પ્રભુ તણો પરતાપ, એમ ખુશાલે માન્યું છે આપ;
પછી જેવું ચિતવે જે વારે, થાય તેવાનું તેવું જ ત્યારે. ૧૩
તે તો જાણે લોક પરસિદ્ધ, કહે આ તો મહા મોટા સિદ્ધ;
એમ જને મન જ્યારે જાણ્યું, તેવા સમામાં વર્ષાતે તાણ્યું. ૧૪
ત્યારે સર્વે આવી લાગ્યા પાય, કહે કરો વૃષ્ટિ દુઃખ જાય;
મનુષ્ય પશુ પીડાય અત્યંત, આવ્યા અરજ્યે અમે પીડાવંત. ૧૫
માટે મોટા કરો તમે મહેર, કરો વર્ષાત તો જાયે ઘેર;
એવી સાંભળી લોકની વાણી, સમર્યા ખુશાલે સારંગપાણિ. ૧૬
કરે સ્તવન મનનાં દયાળ, આવ્યો વર્ષાત ત્યાં તતકાળ;
વુઠો ત્રણ દન લગી તેહ, કાળા ઉનાળા જેવામાં મેહ. ૧૭
લોક આવી લાગ્યાં પછી પાય, કહે ધન્ય ધન્ય દ્વિજરાય;
તમ જેવો નહિ જગ માંય, તમારે સહજાનંદ સહાય. ૧૮
માન્યો પરચો મનુષ્યે મળી, વળી વાત બીજી લ્યો સાંભળી;
પોત્યે પંડ્યા થૈ માંડી નિશાળ, આવ્યાંતાં ભણવા નાના બાળ. ૧૯
તેને ભણાવે છે થોડું ઘણું, કરાવે ભજન હરિ તણું;
કરતાં બાળક સ્વામીનું ધ્યાન, સર્વે થયાં છે સમાધિવાન. ૨૦
કરે અલૌકિક આવી વાત, સુણી સહુ થયા રળિયાત;
પછી ખુશાલ કહે સુણો બાળ, મારે જાવું જ્યાં હોય દયાળ. ૨૧
ત્યારે બાળકે જોડિયા હાથ, તમને તેડવા આવે છે નાથ;
ધરી દ્વિજનું રૂપ મહારાજ, તે તો આવે છે તમારે કાજ. ૨૨
પછી આવ્યા નાથ સાથે ચાલ્યા, વાટે અન્નજળ વાલે આલ્યાં;
આવ્યા જેતલપુર લગી સાથ, પછી અદ્રશ્ય થયા છે નાથ. ૨૩
હતા જેતલપુરમાં સ્વામી, નીર્ખ્યા ખુશાલે અંતરજામી;
કહી વાટની વાત ખુશાલે, હસી સાંભળી સરવે વાલે. ૨૪
કહે નાથ બ્રાહ્મણને ભાળી, ભાઈ તું છો મોટો ભાગ્યશાળી;
થયો પરચો તને એ જાણ્યે, બીજી વાત મનમાં મ આણ્યે. ૨૫
ત્યારે બ્રાહ્મણ કહે મહારાજ, હું તો આવ્યો છું ભણવા કાજ;
ત્યારે નાથ કહે ઘણું સારું, એમાં ગમતું ઘણું અમારું. ૨૬
પછી ખુશાલ સંતમાં રહ્યા, એક સમે વડોદરે ગયા;
તિયાં સતસંગી રહે બહુ, કરે સ્વામીનું ભજન સહુ. ૨૭
એક દ્વિજ સદાશિવ નામે, નિત્ય ખુશાલને કર ભામે;
આવી નિત્ય જમો મારે ઘેર, મારે છે શ્રીમહારાજની મહેર. ૨૮
જિયાં લગી રહો તમે આંઇ, બીજે જમવા ન જાવું ક્યાંઈ;
પછી ખુશાલ જમવા ગયા, આવ્યા નાથ જમવાને તિયાં. ૨૯
ત્યારે સદાશિવ લાવ્યો પાય, નીર્ખી નાથને તૃપ્ત ન થાય;
પછી સુંદર કરાવ્યો થાળ, જમ્યા દયા કરીને દયાળ. ૩૦
સદાશિવ વળી એની નાર્ય, દેખે બીજા ન દેખે લગાર;
પણ જમતાં જાણે સહુ જન, થાય અર્ધું જે હોય ભોજન. ૩૧
શાક પાક ધર્યું હોય થાળે, થાય ઓછું તે સરવે ભાળે;
જળનો જે હોય આબખોરો, પીવે નાથ તે થાય અધૂરો. ૩૨
હોય મુખવાસ આગે મેલ્યો, આપે નાથ તે પાછો જમેલો;
આપે જમેલ પછી સોપારી, જોઈ આશ્ચર્ય થાય નરનારી. ૩૩
એમ માસ લગી અહોનિશ, જમ્યા હરિ ખુશાલ હમેશ;
જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ. ૩૪
જમે જન હાથે નાથ નિત્યે, તે તો ખુશાલ ભક્તની પ્રીત્યે;
એમ ખુશાલ વિપ્રને વળી, પૂર્યા પર્ચા બહુ નાથ મળી. ૩૫
હતા આપે તે વૈરાગ્યવંત, સંસારથી ઉદાસી અત્યંત;
પછી ધાર્યો છે ધાર્મિક યોગ, તજી ભવ તણા વઇભોગ. ૩૬
ધર્યું નામ તે ગોપાળાનંદ, થયા યોગેશ્વર જગવંદ;
ફરે દયાળુ સરવે દેશ, આપે મુમુક્ષુને ઉપદેશ. ૩૭
કર્યા મહારાજે મોટેરા બહુ, માને મોટા મુનિવર સહુ;
એક દિવસ લઈ મંડળી, આવ્યા વડોદરા માંહિ વળી. ૩૮
તિયાં સત્સંગી આવ્યા સાંભળી, લાગ્યા પાય સહુ લળી લળી;
મોટાં ભાગ્ય જાય નહિ કહીએ, આવ્યા તમે અષ્ટમી સમૈયે. ૩૯
કરો ઉત્સવ આણી હુલાસ, બાંધો હિંડોળો કહે એમ દાસ;
ત્યારે ગોપાળસ્વામી કહે સારું, કરશે હરિ ગમતું તમારું. ૪૦
ત્યાં તો આવ્યો અષ્ટમીનો દન, કર્યું વ્રત સહુ મળી જન;
બાંધ્યો હિંડોળો હરિને કાજ, આવી ઝૂલ્યા પ્રકટ મહારાજ. ૪૧
સારી સુંદર મૂરતિ શોભે, જોઈ જોઈ જન મન લોભે;
નીર્ખી હરખિયાં સહુ જન, કરે સહુ સાથ ધન્ય ધન્ય. ૪૨
આજ અલૌકિક દર્શન દીધાં, તમે અમને કૃતાર્થ કીધાં;
તિયાં સત્સંગી કુસંગી હતા, દીઠા પ્રકટ સહુએ ઝૂલતા. ૪૩
ઝૂલ્યા હિંડોળે ઘડી બે ચ્યાર, પછી ન દીઠા તે નિરધાર;
સહુ રહ્યાં છે આશ્ચર્ય પામી, કહે ધન્ય સહજાનંદ સ્વામી. ૪૪
આપ્યો પરચો પ્રભુજી આપે, સ્વામી ગોપાળાનંદને પ્રતાપે;
વળી ગોપાળાનંદ સ્વામીને, પૂર્યો પરચો કહું કર ભામિને. ૪૫
એક સમે નાવે વરસાત, મરે મનુષ્ય થાય ઉતપાત;
શોધ્યે શહેરમાં ન મળે અન્ન, પડ્યો કાળ કહે સહુ જન. ૪૬
પછી સત્સંગી સર્વે મળી, આવ્યા જ્યાં હતી મુનિમંડળી;
બેઠા ગોપાળસ્વામીને પાસ, કહે નથી જીવવાની આશ. ૪૭
મરે શહેરમાં મનુષ્ય બહુ, અન્ન વિના પીડાય છે સહુ;
દેતાં દામ મળે નહિ અન્ન, કહો કેમ કરી જીવે જન. ૪૮
માટે સ્તુતિ પ્રભુ પાસે કરીએ, થાય મેઘ તો અમે ઊગરીએ;
કહે ગોપાળસ્વામી દયાળ, કરો ભજન સર્વે મરાળ. ૪૯
બેઠા ભજને ઘડી બે ચ્યાર, આવ્યો મેઘ થયો જે જેકાર;
વુઠો ત્રણ્ય દન લગી ઘન, કાળા ઉનાળામાં રાત્ય દન. ૫૦
સતસંગી કુસંગીએ જાણ્યું, થયો પર્ચો સહુએ પ્રમાણ્યું;
લાગ્યા ગોપાળસ્વામીને પાય, ધન્ય ધન્ય તમે મુનિરાય. ૫૧
Информация по комментариям в разработке