વિજાણંદ આડો વીંઝણો, ને શેણી આડી ભીંત,
પડદેથી વાતું કરે, બાળાપણની પ્રીત.
જંતર મોટે તુંબડે, બત્રીસે ગમે,
છત્રીસ લવણ રમે, વિજાણંદને ટેરવે.
મોટાં તૂંબડાંવાળું એ બીન : એમાં બત્રીસ તો ગમા ગોઠવેલાં : અને એમાંથી છત્રીસ જુદી જુદી રાગણીઓ વિજાણંદનાં ટેરવાંનો સ્પર્શ થતાં કલ્લોલ કરી રમવા લાગે છે.
જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,
સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.
[ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું. જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સઢ છેદી નાખ્યા !]
ગમે ગમે ગોઠડી, નવ તાંત્યુંમાં નેહ,
હૈયામાં હલકેહ, વિજાણંદનાં તુંબડાં.
એ વાજિંત્રનો પ્રત્યેક ગમો ગાતો ગાતો જાણે કે શેણીની સાથે ગુપ્ત ગોઠડી કરી રહ્યો હતો, નવે તાંતો જાણે શેણીની સાથે જ સ્નેહ બાંધતી હતી. ને બીનનાં સૂંબડાં ઘેરા પડછંદા પાડીને જાણે એકલી શેણીના હૈયામાં જ હલકાં દેતાં હતાં.
વિજાણંદ હાલી નીકળ્યો, પોઠીડા પલાણે,
ડાબો થાને ગણેશ, (તો) વિજાણંદ પાછો વળે.
પોઠિયા પર સવાર થઈને વિજાણંદ ચાલી નીકળ્યો. ઝૂરતી શેણી જંગલના તેતરને વીનવે છે કે હે ગણેશ પંખી, તું મારા પિયુની આડો ડાબી બાજુએ ઊતરજે કે જેથી અપશુકન સમજીને એ પાછો વળે.
હરણ તારી ડોકમાં, ઘડાવું ઘૂઘરમાળ,
સોને મઢાવું શીંગડી, વિજાણંદ પાછો વાળ્ય !
[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]
ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે,
વળ્ય વેલો વિજાણંદા, (મને) રોઝડાં રંજાડે.
[હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંતઃકરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને રંજાડે છે. (મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે.)]
ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે,
અધવચ મેલ્યાં એકલાં, હાલ્ય હૈડા હેમાળે.
[જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા.]
વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.
વરસ વળ્યાં વાદળ વળ્યાં. ધરતી નીલાણી,
(પણ) એક વિજાણંદને કારણે, શેણી સુકાણી.
[વરસ પાછું વળ્યું. વાદળાં પણ બરાબર બાર માસની મુદતે હાજર થઈ ગયાં. પૃથ્વી એ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિનાં જોબન રંગે હસી-ઉલ્લસી ઊઠી. હાય ! એ બધાં તો લીલુડાં બન્યાં, કેમ કે મિલનનું સુખ પામ્યા; સુકાઈ શોષાઈ સળગી ગઈ એક માત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો, વહાલા વિજાણંદનો.]
ચડ ટીંબા ચડ ટીંબડી, ચડ ગુંદાળી ધાર,
ઓઝત, ઉછાળો લઈ, વિજાણંદ પાછો વાળ.
[ઓ બહેન ઓઝત, તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંઈક આઘે આઘે જોઈ શકતી હોઈશ. ભલી થઈને એક વાર ઉછાળો મારી, એનો પંથ રોકી, તું એને ઝટ પાછો વાળજે.]
વિજાણંદની વરમાળ, બીજાની બાંધું નહિ,
ચારણ હોય લખ ચાર, (એને) બાંધવ કહી બોલાવીએ.
મત્યું શું દિયો માનવી, જણ જણની જૂજવી,
ડાહ્યપ એવડી હતી, (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ ?
[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો ? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો ?]
ધોબી લૂગડ ધોય, રૂપાળાસે રાચું નહિ,
મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો !
[ધોબીના ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી – ]
છાણાંનાં ચાટેલ, ખોરાં ઘી ખવાય નૈ,
મેયુંના મથેલ, વાલાં ઘી વિજાણંદનાં.
લાલ સુરંગી ધોતિયે, કેસરભીને વાન,
હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન.
[માથા પર લાલ ફેંટો હતો. સહેજ શ્યામ રંગ હતો. હજી હમણાં જ ઓલી બજારમાં હાલ્યો જાતો હતો.]
હાડાં હેમાળે, ગળિયાં જે ગૂડા લગે,
વિજાણંદ વળે, ઘણમૂલા જાને ઘરે.
[હે મહામૂલા વિજાણંદ, મારાં હાડકાં ગોઠણગોઠણ સુધી તો આ હિમાલયમાં ઓગળી ગયાં. માટે હવે તો, હે મહામૂલા વહાલા, તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]
ફરી વાર એ ધુમ્મસઘેરી ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો : “પણ ચારણ ! છેલ્લી એક ઝંખના રહી ગઈ છે. મરતાં મરતાં એક વાર તારું જંતર સાંભળવું છે.
વિજાણંદ, જંતર વગાડ, હેમાળો હલકું દિયે,
મોહ્યા માછલમાર, માછલિયું ટોળે વળે.
“એક વાર બજાવી લે.”
જંતર ભાંગ્યું જડ પડી, તૂટ્યો મોભી ત્રાગ,
વેદાની શેણી હલ ગઈ, જંત્રી ન કાઢે રાગ.
[વાજિંત્ર પટકાઈ ગયું. અંદર ચિરાડ પડી ગઈ. એનો મુખ્ય તાર તૂટી પડ્યો. વેદા ચારણની પુત્રી શેણીના પ્રાણ ચાલી નીકળ્યા; એટલે હવે વીણાનો બજાવનાર પણ સૂર કાઢતો અટકી ગયો.]
અને –
ભૂખે ખાધું ભાત, પેટ ભરી પામર જીં,
શેણી જેવો સંગાથ, મેલીને વિજાણંદ વળ્યો.
[શેણી જેવા સંગાથને હિમાલયમાં વળાવી વિજાણંદ ચારણ ખાલી હાથે પાછો વળ્યો. અને જીવતર કર્યું ત્યાં સુધી પામર માનવીની પેઠે પોતાના ભૂખ્યા પેટને ભરતો રહ્યો.]
❀
[કેટલાક ચારણો એમ કહે છે કે શેણીને વિજાણંદ ઉપર પ્રીતિ હોવાની વાત બનાવટી જ છે, શેણી તો જોગમાયાનો અવતાર હતી અને એણે તો પોતાના પિતાને બાલ્યાવસ્થાથી જ કહી શખેલું કે ‘મારો સંબંધ કરશો જ નહિ’ તેથી પોતે વિજાણંદથી બચવા માટે જ હિમાલય નાસી ગયેલી.
મેં તો આ વાર્તામાં બંને પક્ષનો પ્રેમ હોવાની હકીકત સ્વીકારી છે, તે આ પ્રાચીન દુહાઓ પરથી. ન પરણવાનો નિશ્ચય હોવા છતાં પણ શેણીને વિજાણંદ પર વહાલ ઊપજ્યું, એ તો ઊલટું એની પ્રીતિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. અને આવા પરમ પવિત્ર પ્રેમાવેશથી તો એનું સતીપણું અથવા જોગમાયાપણું ઊલટું વધુ ઉજ્જ્વળ બને છે. બીજી અનેક ચારણ સતીઓ પણ પરણેલી હતી જ.
Background Music
#breathlesssong by
@veenasrivani7027
#gujarati #duha #historyliterature #saurashtra #rasdhar #youtube #viral #video #lyrics #whatsappstatus #education #audio #veena
Информация по комментариям в разработке