AAJ MARE ORDE RE | આજ મારે ઓરડે રે | Full Very Peaceful Kirtan
પદ - ૧
આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ;
બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ... ૧
નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ;
શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ... ૨
ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર;
લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર... ૩
આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર;
પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર... ૪
કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર;
સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર... ૫
પહેરી પ્રીત શું રે, સુરંગી સૂંથણલી સુખદેણ;
નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૬
ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ;
સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય... ૭
મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય;
કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય... ૮
રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ;
પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ... ૯
પદ - ૨
સજની સાંભળો રે, શોભા વર્ણવું તેની તેહ;
મૂર્તિ સંભારતાં રે, મુજને ઊપજ્યો અતિ સનેહ... ૧
પહેર્યા તે સમે રે, હરિએ અંગે અલંકાર;
જેવા (મેં) નીરખિયા રે, તેવા વર્ણવું કરીને પ્યાર... ૨
બરાસ કપૂરના રે, પહેર્યા હૈડે સુંદર હાર;
તોરા પાઘમાં રે, તે પર મધુકર કરે ગુંજાર... ૩
બાજૂ બેરખા રે, બાંયે કપૂરના શોભિત;
કડાં કપૂરનાં રે, જોતાં ચોરે સૌનાં ચિત્ત... ૪
સર્વે અંગમાં રે, ઊઠે અત્તરની બહુ ફોર;
ચોરે ચિત્તને રે, હસતાં કમળ નયનની કોર... ૫
હસતાં હેતમાં રે, સહુને દેતા સુખ આનંદ;
રસરૂપ મૂર્તિ રે, શ્રી હરિ કેવળ કરુણાકંદ... ૬
અદ્ભુત ઉપમા રે, કહેતાં શેષ ન પામે પાર;
ધરીને મૂર્તિ રે, જાણે આવ્યો રસશૃંગાર... ૭
વા’લપ વેણમાં રે, નેણાં કરુણામાં ભરપૂર;
અંગોઅંગમાં રે, જાણે ઉગિયા અગણિત સૂર... ૮
કરતા વાતડી રે, બોલી અમૃત સરખાં વેણ;
પ્રેમાનંદનાં રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ... ૯
પદ - ૩
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા’લો વરસ્યા અમૃત મેહ... ૯
પદ - ૪
વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનૂપ;
પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ... ૧
સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ... ૨
સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;
તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ... ૩
મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર... ૪
સહુ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારાં નેમ;
તમ પર રીઝશે રે, ધર્મને ભક્તિ કરશે ક્ષેમ... ૫
સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;
લટકાં હાથનાં રે, કરતાં શોભે નટવર વેશ... ૬
નિજ જન ઊપરે રે, અમૃત વરસ્યા આનંદકંદ;
જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ... ૭
શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;
ઈશ્વર ઉદે થયા રે, કળિમાં કરવા જનનાં કાજ... ૮
એ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;
પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર... ૯
@bhajankirtanstudio @swaminarayan1203
Информация по комментариям в разработке