સાક્ષીયોગ એ સાક્ષ્યકળા - સાક્ષી હોવાની કળા - છે.
તમે જે પણ હો,
આ પૃથ્વી પર તમારી ગમે તે ઓળખ હોય,
તમે તમારી જાત પર ગમે તે સિક્કો મારીને જીવતા હો,
તમે અન્યને કોઈ પણ દૃષ્ટિથી જોતા હો,
અન્ય તમને કોઈ પણ નજરે જોતા હોય,
તમે જ્યાં પણ હો,
તમારી આધ્યાત્મિક યાત્રામાં પણ તમે આ ક્ષણે ગમે ત્યાં હો
સાક્ષીયોગ તમારા માટે છે.
સાક્ષીયોગ એટલે અસ્તિત્વને - તમારા સત્યસ્વરૂપને - અનુભવવાની કળા.
સ્વયંને પ્રેમ કરો
તમારામાં કંઈ અનુચિત નથી.
વિશ્વમાં પણ કંઈ અનુચિત નથી.
તમે જે છો તે છો.
દુનિયા જે છે તે છે.
બધી ધારણા અને માન્યતાઓ તમારા મનમાં અને
સ્વયં માટેનો તમારો જે અનુભવ છે તેમાં છે.
પોતા માટેની નકારાત્મક ધારણા તમારી ઊર્જાનો નાશ કરે છે.
તમારા વિશેની તમારી સકારાત્મક ધારણા તમારી શક્તિને જાળવી રાખે છે.
તમારી આસપાસની દુનિયાને સમજવાનો બીજો પણ એક ઉપાય છે.
અસ્તિત્વના સાક્ષી હોવાનો ઉપાય.
એ છે - તમારા વિષે અને તમારી આસપાસના અસ્તિત્વ વિષે નકારાત્મક કે સકારાત્મક ધારણા ન બાંધવી.
પોતાની ટીકા ન કરો.
તમારી જાત વિષે ક્યારેય મત ન બાંધો.
ક્યારેય તમારી જાતને પાપી ન માનો.
ક્યારેય પશ્ચાત્તાપ ન કરો.
ઉન્નત થવા માટે તમારે કોઈ તરફ જોવાની જરૂર નથી,
ન તો પોતાને પતિત માનવાની જરૂર છે.
તમે ચેતના છો.
તમે શુદ્ધ છો.
તમે બ્રહ્માંડની સંરચના છો.
તમારી અંદર બ્રહ્માંડ પ્રગટે છે અને તમારી અંદર રહે છે.
જાત પ્રત્યે અસહિષ્ણુ ન બનો.
તમારો મહિમા કોઈ વિશેષ વધારી શકે એમ નથી,
કારણ કે તમે પૂજાથી પણ પર છો.
આ સર્વ સીમિત ઈન્દ્રિયો અને નશ્વર શરીર સાથે પણ
તમે એ જ છો જે કદી ન તો નાશ પામે છે ન ક્ષય.
તમે ક્યાંયથી આવ્યા નથી,
ન તો તમે ક્યાંય જાઓ છો.
તમે સર્વવ્યાપી છો,
કારણ કે કોઈ સ્થાન તમારા વિના નથી.
તમારું સામર્થ્ય આશ્ચર્યજનક છે.
ભલે ને, જે પણ કંઈ બોલાયું છે અને વિચારાયું છે એ તમે જ છો,
છતાં તમે અપ્રભાવિત છો.
તમારી ચિંતાઓ શું છે?
તમારું શરીર? તમારી ઈન્દ્રિયો?
સ્વર્ગ અને નરક?
મુક્તિ અને બંધનની ભુલભુલામણી, અને ભય અને વિશ્વાસ?
એ બધું તમારી કલ્પનામાં જ છે.
તમે એ બધી ભ્રમણા અને પ્રપંચ નથી.
તમે અણીશુદ્ધ અભિજ્ઞતા છો.
તમને તમારા આવકાર કે બહિષ્કાર વિશે શા માટે ચિંતા છે?
શા માટે તમને ત્યાગ અને સ્વીકારની દ્વિધા સતાવે છે ?
તમે સર્વ જીવપ્રાણીઓમાં છો.
સર્વ જીવપ્રાણીઓ તમારામાં છે.
આ જાણો.
તમારો મહિમા સુપ્રતિષ્ઠિત છે, કારણ કે તમે પવિત્ર છો.
સ્વયંને મહિમાન્વિત થવા દો.
તમે તમારા સ્વામી છો,
કારણ કે સાક્ષી રહીને જે પોતાના સત્યસ્વરૂપને જુએ છે
તે આ બધી ભ્રમજાળની પકડની બહાર છે.
જ્યારે તમે તમારા મનને
સાંસ્કૃતિક સડાથી સીમિત કરી દો છો
ત્યારે તમે તમારી અંદર અને બહાર વહેતા
તમારા અસલી સ્વરૂપના સ્વાદને ચૂકી જાઓ છો.
તમે શાંત છો, હંમેશા પ્રસન્ન છો.
તમે પ્રકૃતિના પરમેશ્વર છો.
વિશ્વાસ ગુમાવશો નહીં.
તમે અનંત મહાસાગર છો,
જ્યાં સંસારની લહેરો ઊઠે છે અને ઓસરે છે.
તમારી પાસે પ્રાપ્ત કરવા, સાચવી રાખવા કે છોડી દેવા માટે કંઈ પણ નથી.
મોજાંઓ ઊછળે છે અને શમી જાય છે,
પણ સમુદ્ર નથી સુકાતો કે નથી ઊભરાતો.
સુવર્ણનાં બનેલાં ઘરેણાં
આકાર અલગ હોવા છતાં
સુવર્ણનાં જ છે.
આ બધું તમે છો,
ભલે ને, જુદું જુદું દેખાય.
તમે સનાતન મુક્ત છો.
તમારે કોઈ આત્મપરીક્ષણની જરૂર નથી.
બધું ચિંતન છોડી દો.
તમે અનાસક્ત છો.
તમે કોઈ પણ અનુભવ મેળવવાની ન તો લાલસા રાખો છો, ન તો નિગ્રહ,
ન તો તમે ક્યાંય માયા બાંધી દો છો.
જે પણ મળે કે ન મળે
તમે એના અનાસક્ત ઉપભોક્તા છો.
કારણ કે તમે બધા વિચારોની પાર પહોંચી ગયા છો
તમે પરમ વિષે વિચારતા નથી.
તમે સ્વયં સિવાય કાંઈ જાણતા નથી
કારણ કે તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં.
તમને અકર્મણ્યતા કે કાર્યની કોઈ પરવા નથી.
તમે કંઈ પણ પસંદ નથી કરતા.
જે પણ કાંઈ તમારી સામે આવે છે
એ તમે કર્યે જાઓ છો
અને આનંદથી જીવો છો.
તમે આનંદિત છો
કારણ કે તમે કોઈના પર નિર્ભર નથી રહેતા.
તમે પરમ સત્યનો અનુભવ કરો છો
કારણ કે તમે કોઈના પર નિર્ભર નથી રહેતા.
તમે સ્વયં માટે શાંતચિત્ત છો
કારણ કે તમે કોઈના પર નિર્ભર નથી રહેતા.
તમે સદા સ્વતંત્ર છો,
કોઈના પર નિર્ભર નથી રહેતા
કારણ કે તમારા સિવાય બીજું કંઈ છે જ નહીં.
તમે બ્રહ્માંડની આ ઇંદ્રજાળ સમી લીલામાં કોઈ કલાકાર નથી.
તમે વિવિધતાની આ રંગભૂમિના કોઈ દર્શક નથી.
તમે ન તો અભિનય કરો છો ન તો અવલોકન.
તમે સુસ્થિર, સર્વવ્યાપક, એકમાત્ર અને અદ્વિતીય છો.
તમે શું જોશો?
તમે કોને બતાવશો?
જયાં તમે તમારા આત્માના મહિમામાં રહો છો
ત્યાં ધ્યાન, માન્યતા, વિશ્વાસ અથવા જ્ઞાન ક્યાં છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જ્યારે તમે તમારા સ્વયંની ભવ્યતામાં રહો છો
ત્યારે ખુશી, આનંદ, વિપુલતા અથવા સિદ્ધિ ક્યાં છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જયાં તમે તમારા સ્વયંની વૈભવશ્રીમાં રહો છો
ત્યાં ભૂતકાળ, વર્તમાન અથવા ભાવિ ક્યાં છે? અરે, સમય પણ ક્યાં છે?
અત્ર, તત્ર, સર્વત્ર ક્યાં છે? અરે, અવકાશ પણ ક્યાં છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જયાં તમે તમારા આત્માના ઐશ્વર્યમાં રહો છો
ત્યાં પ્રબુદ્ધ, પ્રપંચી, દુષ્ટ કે દેવ ક્યાં છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જયાં તમે તમારા સ્વની વિશાળતામાં વસો છો
ત્યાં દ્વંદ્વ, વિક્ષેપ, અશાંતિ અથવા સ્થિરતા ક્યાં છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જ્યારે તમે તમારા સ્વયંની દીપ્તિમાં રહો છો
ત્યારે અણુ, વૈશ્વિક અથવા સર્વવ્યાપી શું છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જયાં તમે તમારા સ્વની ગુરુતામાં રહો છો
ત્યાં અંદર, બહાર કે શૂન્ય શું છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
જ્યારે તમે તમારી સ્વયંની કીર્તિમાં રહો છો
ત્યારે એકતા તો શું, અરે, પરમ સત્યના આહ્વાનની પણ કોઈ આવશ્યકતા છે?
તમે કેવળ સ્વયંમાં જ વિશ્રાંત છો.
Music: Pandit Jatinkumar Oza
Photo: Andrea Relman / Unsplash
Информация по комментариям в разработке